Biography
Work
Books
Audio & Video
Photo Gallery
Press & Media
Awards
Tributes
Forum

~ તું ઇટ્ટાકિટ્ટા છોડ ~

 અરે,
આમ નજરના ફેરવી લેવાથી
પાસેનું હોય તેને
થોડું જ પરાયું બનાવી શકાય છે ?

એવુ ખરું કે
હું ઘડીક હોઉં
ઘડીક ન યે હોઉં
પણ ઘડીકમાં ચોરપગલે તારી શય્યામાં સળ થઇ બેસી જાઉં
કે તારા કંઠમાં ધીમું ધીમું ગીત બની આવી ચડું
કે નીંદરની જેમ ઊડી યે જાઉં

હું કોઇ નક્કી નહીં હોઉં.

તારા પુસ્તકનું સત્યાવીશમું પાનું હોઇશ
તું ચાલે તે રસ્તે હોઇશ.
તારા ખુલ્લા કેશમાં ફરતી હવા હોઇશ

ક્યારેક રીસે ભરાઉં તો
તું મને સંભારે પણ હું તો તારી યાદમાં જ ન આવું
છબીમાં હોઉં પણ તારી સામે ન જ હસું.
ક્યારેક જૂની પેટીમાં છુપાવેલ મારો કોઇ પત્ર બની
હું અચાનક જડું ને તને રડાવી ય દઉં, હાં

પણ અંતે તો સોનલ,
તું છે કેલિડોસ્કોપ
અને હું છું તારું બદલાતું દ્રશ્ય.
આપણે અરસપરસ છીએ.

નિકટતાનો કોઇ સવાલ જ ક્યાં રહે છે ?

બસ આપણે તો અરસપરસ છીએ

તારા સ્તનનો ગૌર વળાંક હું છું,
તારી હથેળીમાં ભાગ્યની રેખા હું છું,
તારા અરીસામાં દેખાતું પ્રતિબિંબ હું છું.
હઠીલો છું.
તારી સકળ સુંદરતા બની તને ભેટી જ પડ્યો છું -
તારું સકળ સોનલપણું જ હું છું, લે
અને તારે મારો ઇનકાર કરવો છે ?
એ પ્રયત્ન કરી જો.
દરિયા વચ્ચે બેસીને કોઇ દરિયાનો ઇનકાર કરે
તો દરિયો દરિયો મટી જાય છે ?

તને હું બહું કનડું છું, કેમ ?
શું કરું ?
પ્રેમ સિવાય મારા માટે બધ્ધું જ દુષ્કર છે -
તું જ કહે,
તને ન ચાહું તો હું શું કરું ?

આપણે એક જાળમાં સપડાયેલાં બે માછલાં છીએ ?
એક શરીરની બે આંખ છીએ ?
મને તો ખબર જ પડતી નથી.
એક વાર તું જ કહેતી હતી કે
તું દરિયો છે ને હું તારું પાણી છું
તું આકાશ છે ને હું તારો વિસ્તાર છું.

આ તું અને હું ના ટંટા પણ શા માટે ?
અરે રે
તું સાવ બુદ્ધુ જ રહી.
આંખો મીંચીને રમીએ એને સંતાકૂકડી કહેવાય
કંઇ જુદાઇ ન કહેવાય.

ચાલ, ઇટ્ટાકિટ્ટા છોડ,
અને કહી દે કે, હું હારી

~ રોજ એવું થા, એવું થાય કે- ~

રોજ એવું થાય, એવું થાય કે

આ ખંડમાં બારીના સળિયાઓની પેલે પાર આઘે

ગંધમાં તરબોળ ટેકરીઓ અહીં સૂંઘું

પ્રિયના આશ્ર્લેષમાં પીગળી જતી

કોઇક કંપિતા તણા

લજજાળુ ઉચ્છવાસો સમી

કૈં ઘાસની વિશ્રંભમર્મર સાવ પાસે પી લઉં આકંઠ

લીલી ટોચથી પડતું મૂકીને

ટેકરીના ઘાસવહેતા ઢાળ પરથી દડદડું

કેડી થઇ પાછો ચડી લપસી પડું

ચોમેર તૃણશૈયા વિષે વીંટળાઉ

રોમેરોમથી આતુર આળોટી પડું

આખી ય લીલી વેળ ઝંઝેડી દઉં

સંતાઉં લીલાકાચ ઘેઘૂર ઝૂંડમાં

ને કોઇ ઓચિંતી ઊડેલી દેવચકલી-શો હવામાં ફરફરું...

ફરફરું... બસ ફરફરું

ને એટલે આઘે જઉં

કે સાંજનો અંધાર ઊગે તો ય

માર નીડમાં

ક્યારે ય ના પાછો ફરું

 

~ તારા સોરઠ દેશે દંતકથા-શો ફરું ~

યાદ નથી

હું પવનપાવડી પહેરી

કોઇ ઝરૂખડે મીનલોચન ઝરતી

પ્રવાલદ્વીપની કન્યાનું મન હરવા

ભમ્મર પાંચસાત દરિયાઓ

ભમ્મર પાંચસાત પાતાળો

ભમ્મર પાંચસાત અવતારો વીંધ્યો હોઉં

યાદ નથી

હું ગામધિંગાણે ખપી ગયેલા

સૂર્યવંશી કોઇ પાળિયે

સુંદરીઓની સિંદૂરભીની આંગળીઓના

કંકણવતા સ્પર્શ સોંસરી

કંકણવતા હાથ સોંસરી

લોહી સોંસરી

લોહી સોંસરી

જીવ સોંસરી

હરતીફરતી વીરગતિમાં હોઉં

છતાં

હું તારા સોરઠ દેશે કોઇ દંતકથા-શો ફરું.

મારે મારા રાજપાટમાં

પૂરપાટ એક મીરાં નામે નદી વહે છે

નદી નામના ફાટફાટ આભાસી જળને કાંઠેકાંઠે

હું જ એકલો

કાળી પોલી જરઠ સાંકડી સુક્કી હિંસક રૈયત થઇને વસે

શ્વસે આભાસી જળને

શ્વસીને શ્વસીને રૈયત રાતીમાતી

મારી ગજગજ ખાલી છાતી

રૈયત ચોરેચૌટે ભરે ડાયરા

દરદ નીતરતા દૂહા ગાય

કે વહીવંચાની વાત સાંભળે

ઘૂંટે કસુંબા

હલ્લો કરતા

બખ્તર ભાલાં તેગ કટારી હાથ પડ્યું હથિયાર લઇને

હાંકો કરતા

હયદળ પયદળ

મને ગામથી બહાર

ગામથી ગામ

દેશથી દેશવટો આપે

સદીઓની સદીઓથી આવું કોણ મને સંતાપે ?

પગલે પગલે પારિજાતની ડાળ

ડાળ પર બાવળ જેવી શૂળ ઉગે છે

અને શૂળને છેડે મારાં સૂરજવંશી કૂળ ઉગે છે

દટ્ટણપટ્ટણ ગઢની માથે ફરી વળેલી ધૂળ ઉગે છે

હથેળીઓમાં રેખા થઇને કણસ્યા કરતું

ક્યા વૃક્ષનું મૂળ ઉગે છે ?

જંગલ મારી વાત છુપાવી ચુપચાપ છે

ચુપચાપ છે જંગલ મારી વાત છુપાવી

મને અવતર્યા કરતી મારી કુંવરીઓને

દૂધપીતી કરવાનું દૈવત નથી હાથમાં

મને સાંભરે દાદાજીની વાત...

દાદાજી કહેતા કે

મારા પરાક્રમી વડદાદાઓની

પવન ચાકરી કરતા

સૂરજ રજા લઇને આથમતા

એવા મારા દુર્દમ દાદાજીએ

ત્રેતાયુગની છાતીમાં

ધરબ્યાંતા સોંપટ ખીલા

એવા કોઇ ખીલાની કરચ શોધતો ટીંબેટીંબે ફરું

મનેય મારા દાદા જેવો થઇ જવાની હોંશ હતી ગઇ કાલે

મનેય મારા દાદા જેવો થઇ જવાની હોંશ હતી ગઇ કાલે

 

આજે સતત અવતર્યા કરતી મારી કુંવરીઓને

દૂધપીતી કરવાનું દૈવત નથી હાથમાં રહ્યું

પછીં હું ગામધિંગાણે

ખપી ગયેલા સૂર્યવંશીનો હોઉં પાળિયો ક્યાંથી ?

ક્યાંથી પવનપાવડી પહેરી

કોઇ ઝરૂખડે મીનલોચન ઝરતી

પ્રવાલદ્વીપની કન્યાનું મન હરવા

ભમ્મર પાંચસાત દરિયાઓ

ભમ્મર પાંચસાત પાતાળો

ભમ્મર પાંચસાત અવતારો વીંધ્યો હોઉં

પછી

આ ક્યા જનમમાં પિવાયેલા હુક્કાઓના ધુમ્રગોટ

આંખોમાં આજે ફરી વળ્યા છે ?

લૂંબઝૂંબ આ ઝળુંબતા ગુલમ્હોર જોઇને

ક્યાં જનમમાં પિવાયેલા કેફ-કસુંબા

આવે છે ઓસાણે ?

નદી નામના ફાટફાટ આભાસી જળને જોઇ જોઇ

આ ક્યા જનમના ખોબેખોબે રડી પડયાના વહાલા દિવસો

લુખ્ખીસુક્કી આંખ વિષે અફળાય ?

સોનલ...       સોનલ...

એવું તે હું શું ય હતો કે

તારા સોરઠ દેશે કોઇ દંતકથા-શો

ટીંબે ટીંબે ફરું ?