Biography
Work
Books
Audio & Video
Photo Gallery
Press & Media
Awards
Tributes
Forum

 

Hit Counter

રમેશ પારેખ  : વ્યક્તિતાની રિધ્ધિ

નથી સમાતો આજ હવે તો,

હું  આ  મારા  છ અક્ષરમાં.

-એમ કહીને પોતાની વ્યક્તિત્વતાની  વ્યાપકતા અને સર્જકતાની સભરતાને ચીંધતા કવિશ્રી રમેશ પારેખ ગુજરાતી કવિતાનુ એક ગરવું ગિરિશૃગં છે. રમેશ પારેખ એ ગુજરાતી કાવ્યસાહિત્યની એક વિલક્ષણ ઘટના છે. ગુજરાતી ભાષાના આ એવા પ્રસિધ્ધ  અને પ્રતિષ્ઠિત તેમજ વરિષ્ઠ કવિ છે કે જેમને સરેરાશ ભાવકોએ પારાવાર પ્રેમ કર્યો છે, તો સાહિત્યના અભ્યાસીઓએ અઢળક આદર આપ્યો છે આટલી બહોળી પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા સાંપડી હોય એવા કવિઓ બહુ ઓછા હોય છે. અને આવા ઉત્તમ   કવિઓ સાંપડયા હોય એવી સદ્દભાગી ભાષા પણ બહુ ઓછી હોય છે. રમેશ પારેખ એવા સદ્દનસીબ સર્જકો માંહેંના એક છે અને ગુજરાતી ભાષા પણ એવી ભાગ્યશાળી ભાષા છે. આધુનિક ગુજરાતી કવિ તરીકે વિશેષ જાણીતા થયેલા રમેશ પારેખે કવિતા ઉપરાંત નવલિકા, નાટક, નિબંધ અને બાળસાહિત્ય ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યુ છે.

સૌરાષ્ટૂ વિસ્તારના અમરેલી  ગામમાં તા. ૨૭-૧૧-૧૯૪૦ ના રોજ કપોળ વણિક    કુટુંબમાં રમેશ પારેખ નો જન્મ થયો. માતાનું નામ નર્મદાબેન અને પિતાનું નામ મોહનલાલ પારેખ. રમેશ પારેખે પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ અમરેલીમાં જ લીધેલું. વિદ્યાર્થી અવસ્થાથી જ રમેશ પારેખને વાંચન, ચિત્રકલા અને સંગીતનો લગાવ રહ્યો હતો, વાંચન ભૂખ્યા વિદ્યાર્થી રમેશ પારેખ અમરેલીના બાળવાંચનાલયમાં જઈને 'બાલમિત્ર', 'બાલજીવન', 'ગાંડીવ' તથા પછીથી 'ચાંદની', 'કિસ્મત' વગેરે સામયિકો વાંચતા, વાર્તાઓ વાંચતા-વાંચતા વિદ્યાર્થી રમેશ પારેખને  લખવાની ઇચ્છા થાય છે અને તેઓ વાર્તાઓ લખવા પ્રેરાય છે, વાર્તાઓ લખે છે અને પ્રસિધ્ધ કરવા મુગ્ધ ભાવે સામયિકોમાં પણ મોકલે છે. ઇ.સ. ૧૯૫૭ માં

રમેશ પારેખની પ્રથમ વાર્તા સામયિકમાં પ્રગટ થાય છે. દશમાં ધોરણનો વિધાર્થી રમેશ પારેખ પોતાની પ્રથમ વાર્તાકૃતિ 'પ્રેતની દુનિયા' વાર્તામાસિક ચાંદની માં પોતાના પરિચય અને તસવીર સાથે છપાયેલી જુએ છે ને રાજી રાજી  થાય છે. ૧૯૬૨ સુધી વાર્તાનો દોર ચાલ્યો આ દરમ્યાન સો-એક જેટલી વાર્તાઓ છપાઈ ગઈ. વાર્તાઓની સમાંતરે એમણે ગઝલો અને ગીતો પણ લખેલા.

ઈ.સ. ૧૯૫૮માં રમેશ પારેખ પ્રથમ વર્ગ સાથે એસ.એસ.સી. ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા ત્યારબાદ પિતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈ ઔપચારિક અભ્યાસ આટોપીને નોકરી સ્વીકારી લીધી. ત્રણેક દાયકા સુધી નોકરી કરી ૧૯૮૮ માં વ્યાવસાયિક  નિવૃતિ લીધી અને સંપૂર્ણપણે તેઓ સાહિત્યસર્જનને સમર્પિત થયા.

ઇ.સ. ૧૯૭૨માં રમેશ પારેખ રસીલાબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. સાંસારિક જવાબદારીઓથી સાવ જ અલિપ્ત એવા કવિના ઘરની અને વ્યવહાર જગતની તમામ જવાબદારીઓ રસીલાબેને સંભાળી અને સાડા ત્રણેક દાયકા સુધી એમણે મૈત્રીપૂર્ણ દાંમ્પત્યજીવન  વિતાવ્યુ. ઇ. સ. ૧૯૭૪ માં એમને ત્યાં પુત્રી નેહાનો જન્મ થયો. અને ૧૯૭૫માં પુત્ર નીરજનો જન્મ થયો. નીરજ-હેતલને ત્યાં ઇ.સ. ૨૦૦૧ માં લાડકી દિકરી ખુશીનો જન્મ થયો અને એમ રમેશ પારેખને 'દાદા' નો દરજ્જો મળ્યો.

રમેશ પારેખને એમના વતન અમરેલી પ્રત્યે ઉત્કટ અનુબંધ હતો અને તેથી જ રમેશ પારેખે એમનાં અનેક કાવ્યોમાં પણ અમરેલી સાથેનો નિકટનો નાતો સ્વીકાર્યો છે. આયખાના પોણા છ દાયકા અમરેલીમાં રહ્યા અને પુત્ર  નીરજના વ્યવસાયને લીધે ૧૯૯૭ માં રાજકોટ ખાતે સ્થળાંતર કર્યુ. અમરેલી અને રાજકોટ ખાતે રમેશ પારેખને અનેક સર્જકો-ભાવકો અને એમના પરમ મિત્રો તરફથી હુંફ અને નિર્વ્યાજ અને નિતાંત પ્રેમ મળ્યો છે, તો પૂ. મોરારિ બાપુ, પૂ. રમેશભાઇ ઓઝા જેવા સંતોના આશીર્વાદ પામવાનુ સદભાગ્ય પણ સાંપડ્યુ છે.

 

Next  |