Home  | Feedback | Contact Us |
 
 
 
 
Biography
Work
Books
Audio & Video
Photo Gallery
Press & Media
Awards
Tributes
Forum

રમેશ પારેખ અનન્ય લોક્ચાહના રળી શક્યા છે ગુજરાતી કવિઓમાં ન્હાનાલાલ પછી રમેશ પારેખ જેટલા કોઇ અન્ય કવિને પોંખવામાં આવ્યા નથી. આ કવિ સતત વંચાતા રહ્યા છે સતત ગવાતા રહ્યા છે અને વ્યાપક ભાવે લોકોના હ્રદયસિંહાસને બિરાજતા રહ્યા  છે. ૧૯૯૧ માં ઉજવાયેલું રમેશ પારેખના વન પ્રવેશનુ પર્વ એ એક ઐતિહાસિક સાહિત્યિક ઘટના તરીકે હંમેશા યાદ રહેશે. ૨૭મી નવેમ્બર ૧૯૯૧ ના રોજ કવિના જન્મદિવસે વતન અમરેલીમાં અને રાજકોટમાં એક ગરિમાપૂર્ણ સમારોહ યોજાયો હતો. પૂ. મોરારી બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં રમેશ પારેખની સમગ્ર કવિતાના ગ્રંથ 'છ અક્ષરનુ નામ' નુ કવિશ્રી હરીન્દ્ર દવેના વરદ હસ્તે વિમોચન થયું હતું. વિશેષ ગૌરવપ્રદ વાત એ હતી કે અમરેલીના નગરજનોએ કાવ્યગ્રંથ 'છ અક્ષરનુ નામ' ને માનભેર સ્થાન આપી તેની શોભાયાત્રા કાઢી હતી. પાટણમાં સિધ્ધરાજ જયસિંહના સમયમાં શતાબ્દીઓ પહેલા આચાર્ય હેમચંદ્રકૃત વ્યાકરણ સિધ્ધહેમ ની શોભાયાત્રા નીકળેલી, ત્યારબાદ એવુ માન 'છ અક્ષરનુ નામ' ને નિમિતે રમેશ પારેખને મળ્યું છે. ઇ.સ. ૨૦૦૧ માં રાજકોટ ખાતે રમેશ પારેખ ષષ્ટિપૂર્તિ પર્વ પણ એવું જ દબદબાભેર ઉજવાયેલું. એ વેળા રમેશ પારેખના સાહિત્યિક પ્રદાન વિષયક વ્યાખ્યાનો અને કવિ સંમેલનનું આયોજન થયેલું તો વળી ૨૦૦૪ માં રમેશ પારેખને નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કરવાના અવસરને પણ અમરેલીવાસીઓએ ઉમંગપૂર્વક ઉજવ્યો હતો.

ગૌરવપ્રદ વાત તો એ છે કે કવિના અવસાન બાદ પણ એમના પ્રતિ અઢળક આદર પ્રગટ થતો રહ્યો છે. 'કવિતા' અને 'નવનીત-સમર્પણ' જેવા શિષ્ટ સાહિત્યિક સામયિકોએ કવિને ભાવાંજલી આપતા વિશેષાંકો પ્રગટ કર્યા છે, આવું અને આટલું મરણોત્તર સન્માન કોઇ સાહિત્યકારને સાંપડ્યું હોય એવુ ભાગ્યે જ બન્યું છે. સહજ પ્રાપ્ત આવી વ્યાપક લોકમાન્યતા ભાગ્યે જ કોઇ ગુજરાતી કવિને મળી હશે. રમેશ પારેખ જીવન દરમ્યાન કશા જ પ્રપંચ વિના અઢળક આદર-સત્કાર પામ્યા છે. રમેશ પારેખમાં ક્યારેય કોઇને પણ એમની સર્જકતાનો કે સફળતાનો મદ અનુભવાયો નથી, અન્યથા માણસને આટલી સમૃધ્ધ સર્જકતા અને સંપૂર્ણ સફળતાનો  નશો ન ચડે એવુ ઓછું બને. તેઓ જનસામાન્યના હ્રદયમાં રાજ કરે છે એનું રહસ્ય એ છે કે આ કવિ પોતે અસામાન્ય હોવાનો દાવો કરવાને બદલે સ્વયંને સામાન્ય સમજે છે અને આખા વિશ્વને પ્રેમની બાથ ભરવાનો મનોરથ સેવતા રમેશ પારેખ કહે છે,

માણસથી મોટું તીર્થ નથી કોઇ પ્રેમનું,

હું છું પ્રથમ મુકામ લે મારાથી કર શરુ.

 રમેશ પારેખ ઉત્તમ કવિ હોવા ઉપરાંત રજૂઆતના રાજવી પણ હતા એમની ઉપસ્થિતિથી કવિ સંમેલનની શોભા અને સમૃદ્ધિમાં ઉમેરો થતો, તો એમની અભિવ્યક્તિથી કવિ સંમેલનમાં જાણે કે પ્રાણ પુરાતો એટલે જ તો રમેશ પારેખની હાજરીથી ભાવકોની સાથે જ  આયોજકો પણ ધન્યતા અનુભવતા. રમેશ પારેખની કવિતાની તાસીર છેક સુધી તાજગીપૂર્ણ રહી પરંતુ છેલ્લા થોડા સમયથી કવિની ખુદની તબિયત નાજુક બની હતી. ૧૭મી મે ૨૦૦૬ ના રોજ આ કવિનુ હ્રદય ધબકતું એકાએક જ બંધ થઇ ગયું એ દિવસે મધ્યાહનની વેળાએ ગુજરાતી કવિતાના આકાશમાંથી પૂર્ણતેજે તપતો સૂરજ એકાએક અલોપ થઇ ગયો !.

કોયલ કંઇ કલરવનું એવું ખાબોચિયું નથી કે દુષ્કાળ પડ્યે ખુટે

સગપણના દરિયામાં લેણદેણ નામનો  પરપોટો થાય અને ફૂટે

'વિદાયગીત' માં આવુ કહેનારા કવિએ સ્થૂળ દેહે વિદાય લીધી અલબત સગપણના દરિયામાં થયેલો લેણદેણ નામનો પરપોટો ફૂટ્યાની પારાવાર પીડા તો હોય જ, પરંતુ કવિની કવિતાનો કલરવ એ આપણા માટે મોટું આશ્વાસન પણ છે.

Previous  |  Next  |