Home  | Feedback | Contact Us |
 
 
 
 
Biography
Work
Books
Audio & Video
Photo Gallery
Press & Media
Awards
Tributes
Forum

~ ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ~

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઇ ટાંક્યા ને આભલાં ઓછાં પડ્યા રે લોલ

માંડવે મ્હેક મ્હેક જૂઇની વેલ કે જૂઇના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભરે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ

મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ

સૈ, મારે ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ

લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડા તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઇ ઊડ્યા કરે રે લોલ

~ સૂરજ વિનાનું સાવ ગામ ~

શમણાં આવે ને તો યે કાળાંડિબાંગ એવું સૂરજ વિનાનું સાવ ગામ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

એવાં અણરૂપ અમે કેવાં લાગ્યાં કે
કોઇ લીલા રણવાસ આમ વીસરે
તકતે જોઉં ત્યાં આંખ આડે ઘેરાઇ જતી
ભીની તરબોળ ભીંત નીતરે

મારી હથેળીયુંની મેંદી ચીંધીને કોઇ કહેતુંતું - જાળવશું આમ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

સળકે ચોપાસ ઠેઠ અંધારી લૂ
ને મારી ભાતીગળ ઓઢણી ચિરાતી
લીલું એકાદ પાન ઠેસમાં ચડે છે
ત્યારે રૂ-શી પીંજાઇ જતી છાતી

તડકા રે હોય તો તો છાંયડા વિનાના કહી દુ:ખને અપાય કાંક નામ
શમણાં આવે ને તો યે કાળાંડિબાગ એવું સૂરજ વિનાનું સાવ ગામ

~ ગાતાં ખોવાઇ ગયું ગીત ~

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

ઘેઘૂર ઉજાગરામાં ઊગે તે રાતને
આથમી ન જાય એમ રાખું
ભીડેલી પાંપણમાં કોણ જાણે કેમ
ફરી ઊઘડે પરોઢ તો ય ઝાંખું

આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં

કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

આંગળીની ફૂંકથી ન ઓલવી શકાય
એવા પથ્થરમાં ઝળહળતા દીવા
પાણીથી ફાટફાટ છલકાતાં હોય તો ય
ચીતર્યાં તળાવ કેમ પીવાં

જંગલ તોડીને વહે ધસમસ લીલાશ અને ભીંજે નહીં તરણું યે બીડમાં

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

~ તમે મારામાં આરપાર રહેતાં ~

કાચમાં રહે છે પારદર્શકતા એમ તમે મારામાં આરપાર રહેતાં
કાચમાં રહે છે પારદર્શકતા એમ તમે મારામાં આરપાર રહેતાં

ફૂટી ગયેલી આરપારતાને વળગીને
તાકતી સપાટીઓ તો અંધ
ડાળમાંથી પાન જેમ ઊગી નીકળે છે
એમ આપણને ઊગ્યો સંબંધ

પાન ને લીલાશ બેઉ વચ્ચેની દૂરતામાં જોજનનાં પૂર હવે વહેતાં
પાન ને લીલાશ બેઉ વચ્ચેની દૂરતામાં જોજનનાં પૂર હવે વહેતાં

આખ્ખા યે પૂરને હું બે કાંઠે ઘૂઘવતી
ઘુમ્મરીની જેમ રે વલોવું
ઘૂમ્યા કરે છે એકધારી ભીનાશ
મને લાગતું ન ક્યાંય મારું હોવું

હોવા વિનાની કોઇ શક્યતામાં ઓગળીને જળનો આકાર તમે લેતાં
હોવા વિનાની કોઇ શક્યતામાં ઓગળીને જળનો આકાર તમે લેતાં

~ હવે આંખોનું નામ નહીં આંખો ~

સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો

આંખો તો મોગરાની ડાળીનું નામ

એને શમણું જોયાનું ફૂલ ઝૂલે

રુંવેરુંવામાં પડે મ્હેકતી સવાર

જ્યારે પાંપણની પાંદડીઓ ખૂલે

હાથમાંથી સરકીને વહી જાતાં ભાનસાન

વીંઝે રે દૂર દૂર પાંખો

સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો

દીધું ન જાય કોઇ પંખીનું નામ

એવી હોઠોમાં ઉપડતી ગહેક

જાણે બધું નજરાઇ જાતું ન હોય

એમ - જેને જોઉં તે મ્હેક મ્હેક !

એટલું ય ઓછું ન હોય એમ ફળિયામાં

આંબાની લૂમઝૂમ સાખો

સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો

~ તૂટેલા પાંદડાનું ગીત ~

કાલે આવ્યા ને આજ ચાલ્યા રે ભાઇ,

અમે છીએ મહેમાન છીએ એટલે

પંખી નથી રે તો ય ઊડવું પડે છે

એક તૂટેલું પાન છીએ એટલે

પહેલો ઊઘાડ બની પાનનો

દીધીતી અમે કોઇ એક ડાળને વસંત

દીધીતી અમે કોઇ એક ડાળને વસંત

વૃક્ષો કદાચ ખરી જાશે રે તો ય

મારી લીલા તો ઊગશે અનંત

મારી લીલા તો ઊગશે અનંત

મારો અભાવ લીલા જંગલનો અંત નહીં -

મારો અભાવ લીલા જંગલનો અંત નહીં -

એવા સભાન છીએ એટલે

કાલે આવ્યા ને આજ ચાલ્યા રે ભાઇ,

અમે છીએ મહેમાન છીએ એટલે

સુક્કી રેખાઓ નહીં વીતકના ચાસ

નહીં સુક્કી રેખાઓ મારું દૂઃખ

નહીં સુક્કી રેખાઓ મારું દૂઃખ

ડાળીએ ફૂટે તે મારી તાજી હથેળી

અને જંગલ આખ્ખું ય મારું સુખ

અને જંગલ આખ્ખું ય મારું સુખ

લીલું તરબોળ સુખ બીડનું લઇને અમે

લીલું તરબોળ સુખ બીડનું લઇને બધે

વાતું મેદાન છીએ એટલે

કાલે આવ્યા ને આજ ચાલ્યા રે ભાઇ,

અમે છીએ મહેમાન છીએ એટલે

પંખી નથી રે તોય ય ઊડવું પડે છે

એક તૂટેલું પાન છીએ એટલે

~ તને યાદ છે ? મને યાદ છે ! ~

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી
ને ઘેરાતી રાત મને યાદ છે ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઊઘડતી હોઠમાં ને
થાતું પ્રભાત મને યાદ છે થાતું પ્રભાત, તને યાદ છે?

ખરબચડું લોહી થતું રૂંવાટીદાર

એવું ચોમાસું ચાર ચાર નેણનું

ધોધમાર પીંછાનો પડતો વરસાદ

ગામ આખું તણાઈ જતું વેણનું

છાતીની ઘુમ્મરીમાં ઘુમી ઘુમીને ક્યાંક ખોવાતી જાત મને યાદ છે :

ખોવાતી જાત તને યાદ છે?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના

ધોમ તડકા સૂસવાટે હવે રાતના

લોચનની ભાષામાં ઘટના કહેવાય

અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા દિવસોની વાત મને યાદ છે :

એવા દિવસોની વાત તને યાદ છે ?

~ ઓઢણીનું મહાભિનિષ્ક્રમણ ~

ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે; ક્યાં હાલ્યા ?

ઓઢણીએ કીધું કે : ઊડવા...

ખીંટી બોલી કે તને અધવચ્ચે ઝાલશું

તો ઓઢણી ક્યે: હવે ઝાલ્યો, ઝાલ્યો !

ઓરડાએ કીધું : અલી, મારી મરજાદ રાખ

હું તને કઇ પા-થી સાલ્યો ?

ના, નહીં જાવા દઉં... ના, નહીં - એમ કહી હીંચકાએ માંડ્યું કિચૂડવા

ઊંબર બોલ્યો કે  : હું તો આડો નડીશ,

તયેં ઓઢણી બોલી કે : તને ઠેકશું,

ફળિયું ક્યે : અરરર, તો ઓઢણી ક્યે: મર્ર,

તને પાંચીકા જેમ ક્યાંક ફેંકશું

વાયરાએ કીધું કે : હાલ્ય બાઇ, ચોંપ રાખ્ય, અમે તને નહીં દૈયેં બૂડવા

ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે: ક્યાં હાલ્યા?

ઓઢણીએ કીધું કે: ઊડવા...

~ વરસાદ ભીંજવે ~

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

~ વૃક્ષસંવનનાર્થીનું ગીત ~

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

ઝાડને એની લળક લળક સાવ રે સાચી છાંયડીનાં ઝાંઝર પ્હેરાવી દઉં
કોઇ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના (અંગત) કાગળો ફેંકી દઉં
મેળામાં ખોવાઇ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છે તે ઝાડને જડું

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

ડાળીએ કાબર કાગડા પોપટ વાયરા જેવું આવવું-જવું આવવું-જવું થાઉં
ઝાડ પરોવી લઉં મારામાં એક લીલાકુંજાર દોરે હું ઝાડમાં પરોવાઉં
પંડના જણ્યા જીવને જેવો પહેલવારુકો અડકે માનો હાથ - એવું હું ઝાડને અડું

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

~ હેહેય…. હેહેય ઝાડ ~

હેહેય હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં
(
ભયનો માર્યો હું તો મારા ક્યાંના સાડત્રીશમા પાને વળગી પડ્યો)

હલક્યાં કૂણાંછમ કૂંડાળાં કલગીવાળાં ફર્રર્રર્રર્ર
હું ખમ્મા, જાઉં ઠેલાતો, જાઉં ફેલાતો ક્યાંક મારામાં

હેહેય હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં

છાંયડાના ખાબોચિયાને મેં પાનખોંખારાભેર કહ્યું કે, એ ય ટીનુ, તું ખૂલ.
આજ છે અલ્યા, દરિયાપાંચમ, ઊઠ, બેઠું થા, દોડ, કૂદી જા, હાંફ, તૂટી જા, ઝૂલ;
ઝૂલ, ને છાંટા નાખ, થોડા આ તડકે, થોડા સડકે, થોડા ક્યાંક અને થોડાક મારામાં

હેહેય હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં

ટેકરી ભીની લસરે, અડે, પ્રસરે, દડે હાથમાં, ભીડે બાથમાં, જોતાંવેંત,
ઘાસનું ઝીણું તરણું એની પ્હેલવારુકી ટોચથી ધાવે નભનું સકળ હેત;
દરિયા, તને પૂછતાં ભૂલી જાઉં એ પ્હેલા બોલ, વ્યાપ્યો છે તું કે તારો છાક મારામાં

હેહેય હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં

~ મનજી ઓઘડદાસ ~

મનજી ઓઘડદાસ રહેવાસી ગોધરા ઉંમર સાઠ (કે ઓગણસાઠ) ને ઘંધો તરગાળાનો,

ત્યાં ઠોકેલી રાવટી આજે અહીં તો કાલે ક્યાંક ને મારગ તડકેછાંયે પગપાળાનો.

મનજીને (માદેવની) અફર માનતા છે કે ઘરવાળાંની કૂખમાં દીવો થાશે,

એટલે એણે ટેક લીધી કે અડવાણા ને અવળા પગે હાલતો કાશી જાશે.

ઘરવાળાંની કૂખને ઘણી ખમ્મા કહેવા ઉપડે અને લબડી પડે હોઠ,

કૂખદીવાને થાપવા કાજે પાથરેલા ને પાથરેલા રહી જાય ખાલી બાજોઠ.

લીલબાઝેલી આંખમાં હવડ જળ ને એમાં એક હજી ગંધાય છે ટાપુ પરવાળાનો.

કોઇ વેળા સગાળશા જેવા વેશમાં સગા દીકરાને પણ ખાંડતો સગા હાથે,

મનજી પોતે પણ ખંડાતો હોય ખંડાતો હોય ખંડાતો હોય છે સાથે સાથે.

ખેલમાં ઝાંખી પડતી કિસનલાઇટની સામે કોઇ રાતે તરવાર ખેંચેલો રાજા,

દિવસે જ્યારે મનજી વેશે હોય છે ત્યારે ગામનું નામ જ-કોઇ નથી દરવાજા.

 આમ તો પોતે સાવ ખુલ્લોફટ્ટાસ ને ગામેગામ ઉઘાડેછોગે થતો વહેવાર તાળાનો.

 ~ તમને ફૂલ દીધાનું યાદ ~

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ
સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ

 

અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ
અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાં ભરી કેટલીવાર પીધાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

અડખેપડખેનાં ખેતરમાં ચાસ પાડતાં હળ મારી આંખોમાં ફરતાં
એકલદોકલ કોઈ ઉછળતું સસલું દોડી જતાં ઝાંખરાં પરથી પર્ણો ખરતાં
તરે પવનના લયમાં સમળી તેના છાયા છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતા
ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઊડી એકસામટું પાંખ વીંઝતું હવા જેવડું થાય
ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલરંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

~ મારા ખોબામાં ~

મારા ખોબામાં ખખડાવું કોડી ૪૦

તને બોલાવું  : રમવા આવીશ ?

છાબડી લઇને ચાલ, પરપોટા વીણશું

ને સાંજરે વળીશું ઘેર પાછાં

 

વીણેલા પરપોટા સાંધી સાંધીને

એના દરિયાઓ ગોઠવશું આછા

પછી દરિયાને તું ક્યાં વાવીશ ?

રણથી ટેવાયેલી આંગળીઓ

પાણીને ઑળખાણ આપતાં મૂઝાંશે

પોતાના ખખડાટે છળી જતી કોડીને

દરિયો અફળાય તો શું થાશે ? તારા

ખોબામાં તું શું લાવીશ ?

~ ભાષાની ઘા ~

મારા ભોળા શબ્દોને મેં કર્યું મેશનું ટીલું રે

છતા ય એ નજરાઇ ગયા કૈ એવું સૂકૂંલીલું રે

 

દાદા ઉમાશંકર દોડો, હણહણતા જળ લાવો રે

શબ્દોનાં ફાટેલાં સૂકાં સૂકાં મ્હોં ભિંજવો રે

 

કહો, નિરંજનકાકા, આ તે કપટ થયા છે કેવાં રે

તરફડતા શબ્દોને વળતા અરથોના પરસેવા રે

 

રઘુવીર, તમ જેવા મૂછડ ભાઇ છતાં આ થાતું રે

શબ્દો સાથે છનકછિનાળાં કરે સકળ ભાયાતું રે

 

સુરેશ નામે જોષી, જુઓ જોષ કુંડલી દોરી રે

શા માટે આ શબ્દોમાંથી વાસ આવતી ખોરી રે

 

કરો વૈદ્યશ્રી ઉર્ફ લાભશંકર ઠાકર ચિકિત્સા રે

શબ્દોને શા વ્યાધિ છે કે થાતા ચપટાલિસ્સા રે

 

મણિલાલ, પ્રિયકાંત, રાવજી, જગદીશે જે માંજ્યા રે

છતાં શબ્દનાં કાળાભઠ્ઠ પોલાણ હજી ના ભાંજ્યા રે

 

રસ્તો ક્યાં હે મનહર, ચીનુ, સરુપ, કિસન સોસા રે

શબ્દો મારા ટ્રાફિકમાં અટવાઇ ગયેલા ડોસા રે

 

રમેશ જેવો રાબડબૂસો કરતો કૈં કૈં ખેલો રે

અને/એટલે/અથવા મારો પાલવ થાતો મેલો રે

 

નયન, નિરંકુશ, પ્રફુલ્લ, પન્ના, વિપિન શેખડીવાળા રે

શબ્દોના અંધારગર્ભમાં કરશોને અજવાળા રે ?

~ મારા સપનામાં... ~

મારા સપનામાં આવ્યા હરિ

મને બોલાવી, ઝુલાવી, વહાલી કરી.

સામે મરકત મરકત ઊભા

મારા મનની દુવારિકાના સૂબા

મારા આંસુને લૂછ્યાં જરી...

આંધણ મેલ્યાંતાં કરવા કંસાર

એમાં ઓરી દીધો મેં સંસાર

હરિ બોલ્યા : ‘અરે, બહાવરી.....!’

~ કે કાગળ હરિ લખે તો બને ~

- કે કાગળ હરિ લખે તો બને
અવર લખે તો એકે અક્ષર નથી ઊકલતા મને

મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો
શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો ?
એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને

મીરાં કે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી
નિશદિન આવે જાય લઇને થેલો ખાલી ખાલી
ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને

~ ગઢને હોંકારો તો કાંગરાય દેશે ~

ગઢને હોંકારો તો કાંગરાય દેશે,
પણ ગઢમાં હોંકારો કોણ દેશે ?
રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે?

આઘેઆઘેથી એને આવ્યાં છે કહેણ,
જઈ વ્હાલમ શું નેણ મીરાં જોડશે,
હવે તારો મેવાડ મીરાં છોડશે...

આઠે અકબંધ તારા ભીડ્યા દરવાજાનાં ફૂલ જેમ ખૂલશે કમાડ
વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળ મહીં ઊડતો મેવાડ

કિનખાબી પહેરવેશ કોરે મૂકીને મીરાં
કાળું મલીર એક ઓઢશે.
હવે તારો મેવાડ મીરાં છોડશે...

પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઇ લેણદેણ તૂટ્યાનું શૂળ
ડમરી જેવું રે સહેજ ચડતું દેખાશે પછી મીરાં વીખરાયાની ધૂળ

મીરાં વિનાનું સુખ ઘેરી વળશે ને રાજ
રૂંવે રૂંવેથી તને તોડશે
હવે તારો મેવાડ મીરાં છોડશે.

~ એક છોકરો + એક છોકરી + કંઇક બીજું ? ~

એક છોકરાએ સિટ્ટિનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : લે ઝૂલ

છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને
સોનેરી ચોકલેટ કાઢી રે
છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાએ
ફેંકી કૈં ચિઠીઓ અષાઢી રે

સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ

છોકરીને શું ? એ તો ઝૂલી,
તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે
જે કાંઇ થયું એ તો છોકરાને થયું
એના સાનભાન ચરી ગયું ઘોડું રે

બાપાની પેઢીએ બેસી તે ચોપડામાં રોજરોજ ચીતરતો ફૂલ.

~ દુષ્કાળ-૧૯૮૭ ~

કોઇ ખરીદે વેઢવીંછિયાં, કોઇ ખરીદે ગરિયા રે

અમરેલી મેળામાં ચાલી ખરીદવાને દરીયા રે

 

જળત્યક્તા નદીઓ શીખે છે વીરડાઓને જણતાં રે

મોટા મોટા પંડિત H2O ના મંત્રો ભણતા રે

 

પાણીખૂટલ હથિયારો ને પાણીખૂટલ મૂછો રે

એવું શાથી ?- એવા પ્રશ્ર્નો પાણાઓને પૂછો રે

 

નથી પરિચય દરિયાનો તેથી જ છિછરી છાતી રે

દરિયાદિલી શબ્દકોશનાં પૃષ્ઠોમાં લજવાતી રે

 

શબ્દકોશમાં પાણી વાળું પૃષ્ઠ  હતું જે કાલે રે

ફાડીને પી ગઇ એને પણ અમરેલી આ સાલે રે

 

કીડી-કુંજર રઝળે માથે લઇ પાણીનાં બેડાં રે

ભાગી નીકળ્યાં ગામ મૂકીને ખૂટલ કેડી-કેડા રે

 

ગંગાદાસો સુક્કા છે ને જમનાદાસો સુક્કા રે

કાલે કૃષ્ણ જનમશે એવા ફુલાવે છે ફુક્કા રે

 

રમેશભાઇ પેન વડે પાણી લખવા જ્યાં બેઠા રે

 આંખોમાંથી આંસુ સાથે ડોળા પડતા હેઠા રે

 

~ તારું પહેલા વરસાદ સમું આવવું ~

ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

બળતે બપ્પોર ભીનો પગરવ સુણીને
કાંઈ વાસ્યા કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોના એવાં અંધાર્યા વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા

ઓચિંતા ધોધમાર સામસામે આપણે ઊભાં રહ્યાં-નું પૂર આવવું

ફળિયે પલાશ ફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખાઓ ખાખરાના પાનમાં

લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?

ફાગણની ઝાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

~ મીરાંને પ્રશ્ર્ન - આલા ખાચરનો ~

કંકુમાં ને ગેરુંમાં શું ફેર ?

હે મીરાંબાઇ, કંકુમાં ને ગેરુંમાં શું ફેર ?

સરખી રે સરખી ભીંત્યું મંદિર કે મ્હેલની

સરખી માટી ને સરખી ઇંટ ;

આખ્યું સામે આપદાયું હોય ઇ જ હોય

તમે મટકું મારો કે માંડો મીટ,

ભાળતી જે આંખ્યું ઇ જ અમી, ઇ જ ઝેર.

કાગડો, કબાટ, દૂધ, દારુની દુકાન....એવા   

ભેદ નહીં આપ-માં ને ભીંતમા;

ચડતલ ડૂમો કદી છાને ખૂણે ઢળે એમ

છતરાયો ઢળી જાય ગીતમાં,

કેવો હોય અવસર ?  કેવો હોય કે

~ બાલલીલાનું ગીત ~

આખું અમરેલી ગામ મારી ફઇ

આંગણમાં પંખીના તોરણ બંધાવ્યા, કૈં કંકુથી રંગાવ્યાં બારણાં

મહુવાથી મંગાવ્યા સીસમનાં પારણાં ને એમાં બિછાવ્યાં ઓવારણાં

ઝુલાવ મને મુંબઇના ઘુઘરાઓ દઇ...

ગાલ ઉપર કોયલનું ટપકું કરીને મારી આંખમાં બે પારેવાં આંજતી

મારે કાજ બદલી એ પોતાનું નામ મારા પીળાં રમકડાઓ માંજતી

ઢબૂરે મને ચૂમીની પાંદડીઓ મંઇ !

~ ઝાડ એના પાંદડાને પૂછે ~

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?

પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?

ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!

પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે
જે સૌ સાથે આપણને સાંધતું

તૂટવાનો અર્થ તને અડકે નહીં , તોડે નહીં, એને હું કહું મારો પ્રેમ !

~ વ્હાલબાવરીનું ગીત ~

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

~ વરસાદ તારા બાપના! ~

જેવાને જેટલા હો સપનામાં-એવા ને એટલા વરસાદ તારા બાપના !

 

 રસ્તા પર ટપોટપ નીકળેલી ભીનીભીની સઘળી યે છત્રી તે તું !

એટલે કે એક જ વરસાદમાં તું છત્રીદીઠ કેટલા વરસાદોમાં છૂ !

 

તારા બિલકુલ, બધા તાર એ ટેસડા, તું ચીતરે જે રંગના ને માપના...

 

ટીપાં પર, રેલા પર, વાંછટ પર, ધોરિયા-ધધૂડા પર લખ, તારું નામ

ભીંજવું તે-લંકાથી પોતાની જાત સુધી-સેતુ બનાવવાનું કામ  !

 

બહાર છો કુહાડાના વાવેતર થાય, થાય પાંપણમાં કૂંપળની સ્થાપના....

~ થાય ટાણું... ~

થાય ટાણું કળીઓને મ્હેક જડવાનું

ત્યારે ઊજવે એ પર્વ હસી પડવાનું

કોઇ કળી સૂરજને માંજતી

તો કોઇ કળી વાયરામાં વીરડાઓ કરતી

કોઇ કળી પાતળાક તડકાથી

પોતાની ઝાકળની ગાગરડી ભરતી

કોઇ કળી સાંભળતી પાડોશી પાંદડાનું ધીમું પરભાતિયું ખખડવાનું

 

પાંદડાની બારીએથી કોઇ કળી

શરમાતા  રંગને કહે કે-આવ ઓરો !

કોઇ કળી એકાદી પાંખડી ઉઘાડીને

     મારે આકાશને ટકોરો...

ઊઘડતી કોઇ કળી પૂછે બ્રહ્માંડને કે આમ તને આવડે ઉઘડવાનું ?

~ ભગવાનનો ભાગ ~

નાનપણમાં બોરાં વીણવા જતા.

કાતરા પણ વીણતા.

કોકની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.

ટેટા પાડતા.

બધા ભાઇબંધોપોતાનાં ખિસ્સામાંથી

ઢગલી કરતા ને ભાગ પાડતા-

-આ ભાગ ટીંકુનો.

-આ ભાગ દીપુનો.

-આ ભાગ ભનિયાનો, કનિયાનો...

છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા-

આ ભાગ ભગવાનનો !’

 

સૌ પોતપોતાની ઢગલી

ખિસ્સામાં ભરતા,

ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી

રમવા દોડી જતા.

 

ભગવાન રાતે આવે, છાનામાના

ને પોતાનો ભાગ ખાઇ જાય-એમ અમે કહેતા.

 

પછી મોટા થયા.

બે હાથે ઘણું ય ભેગું કર્યું ;

ભાગ પાડ્યા-ઘરના, ઘરવખરીના,

ગાય, ભેંસ, બકરીના.

અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ?

 

રબીશ ! ભગવાનનો ભાગ ?

ભગવાન તે વળી કઇ ચીજ છે ?

 

સુખ, ઉમંગ, સપનાં, સગાઇ, પ્રેમ-

હાથમાં ઘણું ઘણું આવ્યું...

 

અચાનક ગઇ કાલે ભગવાન આવ્યા;

કહે : લાવ, મારો ભાગ...

 

મેં પાનખરની ડાળી જેવા

મારા બે હાથ જોયા- ઉજ્જ્ડ.

એકાદ સુકું તરણું યે નહીં.

શેના ભાગ પાડું ભગવાન સાથે ?

આંખમાં ઝળઝળિયાં આવ્યાં,

તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.

 

વાહ !- કહી ભગવાન મને અડ્યા,

ખભે હાથ મૂક્યો,

મારી ઉજ્જ્ડતાને પંપાળી,

મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.

 

તેણે પૂછ્યું  : ‘કેટલા વરસનો થયો તું

પચાસનો હું બોલ્યો

અચ્છા... ભગવાન બોલ્યા : ‘૧૦૦ માંથી

અડધાં તો તેં ખરચી નાખ્યાં...

હવે લાવ મારો ભાગ !’

ને મેં બાકીનાં પચાસ વરસ

ટપ્પ દઇને મૂકી દીધાં ભગવાનના હાથમાં !

ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.

 

હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.

જોઉં છું રાહ-

કે ક્યારે રાત પડે

ને ક્યારે આવે છાનામાના ભગવાન

ને ક્યારે આરોગે ભાગ બનેલા મને

ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો...

~ એવું કૈં કરીએ ~

એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !

હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,
ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ !

શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?

દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં ચાંદો ઘાલી હું ફેકું તારે ફળીયે

સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ !

~ વ્હાલ ~

વ્હાલ કરે તે વ્હાલું !
આ મેળામાં ભૂલો પડ્યો હું કોની આંગળી ઝાલું ?

ફૂગ્ગા ને ફરફરિયાં જોઉં, જોઉં લેણા-દેણી
કોઇક વેચે વાચા, કોઇક વ્હોરે ફૂલની વેણી
કોઇક ખૂણે વેચે કોઇ પરમારથનું પ્યાલું.

કયાંક ભજન વેચાય, ક્યાંક વેચાય કંઠી ને ઝભ્ભો
શું શું અચરજ કરે કાળના જાદુગરનો ડબ્બો
સૌ-સૌનો ઉત્સવ છે એમાં હું અટવાતો ચાલું.

કોઇક છાતી ખરીદ કરતી સસ્તા ભાવે સગડી
કોઇક લેતું મોંઘામૂલી છતાં લાડની લગડી
શું લઇશ તું? - પૂછે મને આ મારું ગજવું ઠાલું.

~ પંખી ક્યાં ગાય છે? ~

ના રે, ના! પંખી ક્યાં ગાય છે?

પંખી તો ઊડતા ભગવાન છે જે પોતાના ટહુકાથી સાક્ષાત થાય છે!

આ બાજુ પથ્થરના મંદિરમાં થાય રોજ કાળમીંઢ ધર્મોના કાંડ

આ બાજુ પંખીઓ બેસતા એ ઝાડવાની એક એક ડાળી બ્રહ્માંડ

ના, રે! પરભાતિયું ક્યાં થાય છે?

આવડે તો પીઓ, આ પંખીના કલરવથી રસબસતો તડકો ઢોળાય છે

તાજપથી નાહેલું ઝાડવું હવામાં જેમ છૂટ્ટાં મૂકી દે છે પાન

એમ ચાલ, વેગળું મૂકી દઇએ આપણે ય મુઠ્ઠીમાં સાચવેલ ભાન

ના, રે ! ક્યાં મંદિર બંધાય છે?

અહીંયા તો કંઠ એવું કોડિયું કે કોઇ એમાં નવું ગીત પેટાવી જાય છે

~ સુદામાની વિમાસણ ~

હું ગુણપાટનું થીગડું ને તું મખમલનો ગાલીચો રે

મેળ આપણો કેમ શામળા, થાશે?

તારા ઊંચા મંદિર એમાં ચોખ્ખાં લોક ફરે છે

મારા પગને બાઝેલા ઘડપણની ધૂળ ખરે છે

પગ સવળા પડશે તો મારું મન પારોઠું જાશે!

ઘડપણને હું બચપણનું વસ્તર પહેરાવી લાવ્યો

કેવું દૂબળું સગપણ લઇ હું તારે મંદિર આવ્યો?

રેળાયા અક્ષર જેવો હું તું-થી ક્યમ વંચાશે?

મારી ઝાંખી આંખ લખે આંસુથી છેલ્લી લીટી

બેત્રણ મૂઠી ઊમળકો હું લાવ્યો ચીંથરે વીંટી

કહેને શુ. આ ઊમળાકાથી મખમલ રગદોળાશે?