Biography
Work
Books
Audio & Video
Photo Gallery
Press & Media
Awards
Tributes
Forum
 

રમેશ પારેખ કંઇક ભાળી ગયેલો કવિ હતો.  પ્રેમના માર્ગે ચાલનારો આ કવિ સતત કંઇક ખોજવામાં રત હતો. ખુદ ભીંજાઇને બીજાને ભીંજવવા મથતો એ કવિ હતો.

- મોરારિ બાપ

 

 

રમેશ પારેખની કવિતાનો હું સનાતન ઘાયલ છું. એ હૃદય મન સરોવરનો કવિ છે અને આપણા માન-સરોવરનો અધિકારી છે. એની કલમમાંથી આખોને આખો ગીતોનો દરિયો ઊછળી આવે છે. સર્જકતાથી ફાટફાટ થતાં આ કવિનું નામ વૈપુલ્યથી અને વૈવિધ્યથી ગીત, ગઝલ અને અછાંદસ દ્વારા ઊર્મિકવિતા સાથે ગુંથાયેલું અને ગંઠાયેલું છે. સોનલ તેની કાલ્પનિક વાસ્તવિકતા છે અને વાસ્તવિક કલ્પના છે. રમેશ એ વાવાઝોડું પી ગયેલો કવિ છે.

- સુરેશ દલાલ  

 

 

શ્રી રમેશ પારેખ ગુજરાતી કાવ્યસર્જકોમાં વિશેષ વ્યક્તિ છે. સૌરાષ્ટ્રની તળપદી ભાષાની છટાઓ એમણે જે વૈવિધ્ય ભરી રીતે વાપરી જાણી છે તે તેમની વિશેષતા છે. તળપદી ભાષાનાં નાદ અને અપાર ભાવભંગીઓનો તેમણે જે છટાથી વિનિયોગ કર્યો છે  તે સહુનું ધ્યાન ખેંચે તેવો છે.

- મનુભાઇ પંચોળી (દર્શક)

 

 

શબ્દો વાવીને જેણે કવિતા ઉગાડી છે, આંખોના પાણી સીંચીને અને હૃદયના લોહીથી

એ કવિતાના પિંડના જેણે રખોપાં કર્યા છે એ આપણો, અમારો (હા, મારો પોતાનો) કવિ-

મુઠ્ઠી ઊંચેરો કવિ એટલે રમેશ પારેખ.

ગુજરાતી કવિતા-જગતની એક જીવતી દંતકથા...એક્માત્ર રહસ્યગર્ભ ઘટના...

તરસની કવિતા અને કવિતાની તરસ...

પાનખર વિનાની સદાબહારી વસંત... મીરાંની અનુભૂતિ...

મીરાંનું વિખૂટું પડી ગયેલું એકાદું આંસુડું... મૌનનો નીરવ વિસ્ફોટ... અને

શબ્દકોષના સીમાડા ઓળંગી ગયેલો બારાખડી બહારનો કવિ !

- વિનુભાઇ મહેતા

 

 

રમેશની વાણીએ ગુજરાતની આંખો ભીની કરી છે. હોઠ પર હાસ્ય ફરકાવ્યું છે.

હૃદયને ભીંજવ્યું છે. કટાક્ષની ધારથી મનને ફટકાર્યું છે અને પ્રાણને તેજ પાયું છે.

રમેશ ગુજરાત પર અમૃતમેઘ બની વરસ્યો છે, વિદ્યુત બની ચમક્યો છે

અને દુધિયાં વાદળ સમો વિહર્યો છે. અત્યંત કુમાશથી માંડી અત્યંત કૌવત સુધી

તેની વાણી વિસ્તરી છે.

- મકરંદ દવે

 

 

સામાન્ય રીતે વિવેચકો કવિને ભાવકો સુધી પહોંચાડતા હોય છે. રમેશની કવિતાને સહૃદયોએ વિવેચકો સુધી પહોંચાડી, છંદોબદ્ધ કાવ્યો, લયવૈવિધ્ય ધરાવતાં ગીતો, હાસ્ય-કટાક્ષ-ઉપહાસ ધરાવતાં દીર્ધકાવ્યો, કથાતત્વ ધરાવતી સુબદ્ધ અછાંદસ રચનાઓ, ગઝલ અને ખાસ તો ગેય બાળકાવ્યો... રમેશનું ગીત-હૃદય, હથેલી અને આંખમાં એક સાથે ઝીલી શકાય એવું છે.

- રઘુવીર ચૌધરી

 

 

ગીતોની પરંપરામાં કદી ન આવ્યા હોય એવા શબ્દો રમેશનાં ગીતોમાં સળવળીને ઝૂલતા લયના તાર પર ઝૂલતા અનુભવવાનો આનંદ મેં હંમેશા (હા, હંમેશા) અનુભવ્યો છે. કવિતા એ કાનની કલા છે. આપણી પ્રાચીન-મધ્યકાલીન કવિતાથી આજ લગીની કાવ્યકલા-ના, કહો કે શ્રવણીય કાવ્યકલાના સર્જકોમાં રમેશ પણ એક શોભતું નામ છે. લય્-ઝંકાર અને પદ-પદાર્થોની અ-પૂર્વ કવિતામાં કવિ રમેશ પારેખની ઓળખ છે.

- લાભશંકર ઠાકર

 

કવિતામાં ઊંચી રસસૃષ્ટિની અપેક્ષા રાખતો ઉન્નત-ભ્રૂ શિષ્ટ વાચક; અને કવિતા સાથે કશા યે ઔપચારિક નાતા વગરનો કેવળ ઊભડ, છતાં રસિયો શ્રોતા : આ બન્ને વર્ગને સોંસરવી સ્પર્શી જતી કવિતારિદ્ધિને કારણે, ગુજરાતી વાંચનારી/બોલનારી પ્રજાએ, પ્રેમપૂર્વક પોંખીને જેને ભરપૂર માનપાન આપ્યાં હોય એવો, આધુનિકોમાંનો એક માત્ર કવિ એટલે રમેશ પારેખ, સમકાલીનોમાં લબ્ધપ્રતિષ્ઠ ને વળોટીને સ્વયંપ્રતિષ્ઠ કે સહજપ્રતિષ્ઠના થાનકે, કશા યે પ્રપંચ વગર, આપોઆપ થપાઇ જાય છે.

- લાભશંકર પુરોહિત

 

 

સાધનાપથના કોઇ સંગીન મુકામે આ કવિ પર કવિતાની દેવી અનરાધાર રીઝી છે. વાણી અને અર્થની આ દેવીએ-વાગીશ્ર્વરીએ રમેશના શબ્દોમાં પોતાનો નિવાસ રાખ્યો છે.

રમેશ પારેખના પગ આ ધરતી પર છે. પણ આંખો ધરતી બહારના પ્રદેશોને નિહાળે છે. એના ર્દશ્યલોકની સરહદ સ્વપ્નથી મઢી છે. અને એના સ્વપ્નલોકની સરહદ આધ્યાત્મિકતામાં લીન થાય છે.

- હરીન્દ્ર દવે

 

રમેશ એક હાડસાચો કવિ સર્જક હતો.

એની પ્રતિભા બહુમુખી હતી. તે નાટક પણ લખે. ગીત લખે. ગઝલ લખે. દુહા લખે. ટૂંકી વાર્તા પણ લખે. અમરેલીમાં મોરલ મ્યુઝિક ક્લબ ચલાવીને રમેશ ગીતો પણ કમ્પોઝ કરે. સંગીતની રાગદારીની અદભુત સમજ રમેશમાં હતી.

- અનિલ જોશી

 

 ~ * ~ * ~